દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી,વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે.જ્યારે અમદાવાદમાં પણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરાયું હોવાનું અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું. દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ રાજ્યભરમાં આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જેમાં અતિ સંવેદનશીલ એવા ગોધરા રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.રેલવે પોલીસની GRP અને RPF ટીમો દ્વારા સ્ટેશન વિસ્તારની વ્યાપક તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ડોગ સ્ક્વોડની ટીમને પણ જોડવામાં આવી હતી.મહેસાણા, ભરૂચ અને જામનગરમાં પણ મુસાફરોના સામાનની તપાસ ઉપરાંત સ્ટેશન આસપાસ આવેલા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિની તપાસ માટે પોલીસ દ્વારા દરેક ખૂણાની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.નવસારીમાં પણ એલર્ટ જાહેર કરાયા બાદ શહેરમાં આવતા અને જતા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. ખાસ કરીને દિલ્હીથી મુંબઈને જોડતો નેશનલ હાઈવે 48 નવસારી માંથી પસાર થાય છે, ત્યારે હાઈવે પર પોલીસે વાહન ચેકિંગ કરવાનું શરૂ કર્યું છે.નવસારી ગ્રામ્ય પોલીસ સહિત બીજી શાખાઓ પણ વાહન ચેકિંગ કરી જિલ્લામાં સુરક્ષા જળવાઈ રહે એ માટે પગલાં ભરવા શરૂ કર્યા છે.મહીસાગર જિલ્લામાં આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ પરની ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જિલ્લા મથક લુણાવાડા સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ જાહેર સ્થળો, હાઇવે માર્ગો અને મહત્વપૂર્ણ ચોકડીઓ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું છે.તાપીની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર નજીક ઉચ્છલ અને સોનગઢ ચેકપોસ્ટ પાસે સધન ચેકિંગ હાથ ધરાયું છે.આ ઉપરાંત દ્વારકા, સોમનાથ સહિતના રાજ્યભરના પ્રસિદ્ધ યાત્રાધામોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઇ છે. ભક્તોને સતર્ક રહેવા જણવાયું છે.આ ઉપરાંત મોરબીની અલગ અલગ હોટલ અને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યૂ છે.દિલ્હીમાં થયેલા વિસ્ફોટની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યુ છે. આ ઘટનાના મૃતકોના પરિવાર પ્રત્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેમ જણાવ્યું છે.
Site Admin | નવેમ્બર 11, 2025 9:21 એ એમ (AM)
દિલ્હી વિસ્ફોટ બાદ રાજ્યભરમાં સાવચેતીના પગલાં; પ્રસિધ્ધ યાત્રાધામોમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા.