નવેમ્બર 11, 2025 1:50 પી એમ(PM)

printer

દિલ્હી વિસ્ફોટના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે તેમ ભૂટાનના પ્રવાસ દરમિયાનના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટના પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં અને જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ભૂટાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી જશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે તેઓ ખૂબ જ ભારે હૃદય સાથે ભૂટાન આવ્યા છે અને ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ઘટનાએ બધાને ખૂબ જ વ્યથિત કર્યા છે. શ્રી મોદીએ કહ્યું કે, તેઓ અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજે છે અને આખો રાષ્ટ્ર તેમની સાથે ઉભો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજનો દિવસ ભૂટાન માટે, ભૂટાનના રાજવી પરિવાર માટે અને વિશ્વ શાંતિમાં માનતા તમામ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, સદીઓથી ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો ખૂબ જ ઊંડા, સૌહાર્દપૂર્ણ અને સાંસ્કૃતિક રહ્યા છે, તેથી, આ મહત્વપૂર્ણ પ્રસંગે ભાગ લેવો એ ભારત અને તેમના માટે પણ મહત્વપૂર્ણ હતો.