દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું , જો કે તમામ મુસાફરો સુરક્ષિત છે. આજે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુંબઈ માટે રવાના થયેલ એર ઇન્ડિયાનું વિમાન AI-887 ને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ હવામાંથી પાછું બોલાવવામાં આવ્યું હતું.
સત્તાવાર માહિતી મુજબ, આ વિમાનમા ટેકનિકલ સમસ્યાને કારણે તેની મુંબઈ જતી મુસાફરી રદ કરવી પડી હતી અને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. વિમાને દિલ્હી એરપોર્ટથી સમયપત્રક મુજબ જ ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ પછી, કોકપીટમાં ટેકનિકલ સમસ્યાના સંકેતો મળી આવ્યા હતા. પાયલોટે સાવધાની રાખી અને પાછા ફરવાનો નિર્ણય લીધો.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી સર્વોપરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે ફ્લાઇટ AI 887 ને ટેકઓફ કર્યા પછી તરત જ ટેકનિકલ સમસ્યાને કારણે પરત ફરવું પડ્યું હતું. વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું છે અને બોર્ડમાં રહેલા તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
આ સમગ્ર ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે સંબંધિત ઘટનામાં એર ઇન્ડિયા પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે, મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને આ કેસમાં સંપૂર્ણ તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેણે એરલાઇનને મુસાફરોને તમામ સહાય પૂરી પાડવા અને આગામી ફ્લાઇટ્સમાં તેમને સુવિધા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે વિમાન AI-887 સુરક્ષિત રીતે ઉતર્યું છે અને મુસાફરોની સલામતી તેમના માટે સર્વોપરી છે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત, સરકારે ઘટનાનો રિપોર્ટ માંગ્યો