ઓક્ટોબર 5, 2025 8:07 પી એમ(PM)

printer

દાર્જિલિંગમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને બ્રિજ તૂટતા અત્યાર સુધીમાં 23ના મોત

દાર્જિલિંગ પહાડીઓમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પુલ તૂટી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે, જેમાં પાંચ નેપાળના નાગરિકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મિરિક સબડિવિઝનમાં 13ના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે પહાડી વિસ્તારમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 ઉપર અનેક સ્થળોએ તીસ્તા નદીના પાણી ફરી વળતા હાઇવે બંધ કરી દેવાયો છે. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક સંસ્થાઓ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં પુલ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને બચાવ અને રાહત કામગીરીની સફળતા માટે પ્રાર્થના કરી.
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને પણ શોક વ્યક્ત કર્યો અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ પણ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે માહિતી આપી કે ભારે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમણે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી..