દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે ભારે વરસાદ યથાવત છે.
રાજ્યમાં કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવ ઇંચ જેટલો વરસાદ નર્મદાના નાંદોદ તાલુકામાં વરસ્યો છે, જ્યારે નર્મદાના તિલકવાડા, દાહોદના દાહોદ, પંચમહાલના શહેરા સહિત 14 તાલુકામાં પાંચ ઇંચ અને તેનાથી વધુ વરસાદ થયાના અહેવાલ છે.
સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલથી અત્યાર સુધીમાં સૌથી વધુ 13 ઈંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પુણા કુંભારિયા પાસે ખાડીમાં કેટલાક યુવક તણાયા. હજી પણ એક યુવક ગુમ હોવાનું જણાયું છે. જ્યારે સરથાણાનું આખું પોલીસમથક પાણીમાં ગરકાવ થતાં મહિલા A.S.I.એ ગળાડૂબ પાણીમાં ત્રણ લોકોને સલામત રીતે બહાર કાઢ્યાં.
પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે વરસાદી પાણી ભરાતાં 135 લોકોને તેમજ ધામડોદ ગામથી 14 લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડાયા. તો બલેશ્વર ખાડીમાં પાણી ભરાતા છ ગામના માર્ગ બંધ કરાયા.
પંચમહાલમાં બપોરથી વરસાદને લઈ ગોધરા, હાલોલ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈ મોરવા-હડફ જળાશયના બંધમાંથી પાણી છોડતા આસપાસના ગામોને સાવચેત કરાયા.
મહીસાગરના ખાનપુર, સંતરામપુર, કડાણા, લુણાવાડા અને બાલાસિનોરમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી.
વલસાડમાં વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું. માત્ર વાપી તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લીધે નેશનલ હાઈ-વૅ તેમજ અન્ય રાજ્ય ધોરીમાર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર પણ ખોરવાયો.
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પાંચ ઈંચથી વધુ અને સંખેડામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો.
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ થતાં મોવી ગામથી ડેડીયાપાડા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા.
રાજકોટ જિલ્લામાં વરસાદના પગલે જિલ્લાના વિવિધ બંધમાં નવા નીરની આવક થઈ છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. રાજપીપળાના કરજણ બંધમાંથી 11 હજાર 857 ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું છે.
પોરબંદરના બરડા પંથકમાં આ મોસમનો પ્રથમ સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ પડતાં જ ખેડૂતોએ વાવણી શરૂ કરી
Site Admin | જૂન 24, 2025 7:04 પી એમ(PM)
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ – સૌથી વધુ નવ ઇંચ જેટલો વરસાદ નાંદોદ તાલુકામાં