તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદી પર આવેલ ડોસવાડા ડેમમાં 3 હજાર 800 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. બીજી તરફ વ્યારા તળાવના બે દરવાજા ખોલાયા છે. નિઝર તાલુકાના ખેરવા ગામે વરસાદી પાણી ભરાતા બે મકાનોની દીવાલ ધરાસાઈ થતાં દબાઈ ગયેલા યુવકને બચાવી લેવાયો છે.
કચ્છના ધોળાવીરામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ભરૂચ શહેરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ વચ્ચે ડભોયાવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યું હતું.
દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં સર્વત્રિક વરસાદના પગલે ઈડરીયા ગઢના ધોધ જીવંત બન્યા છે.
નવસારી જિલ્લામાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.ભારે વરસાદને પગલે જિલ્લાના 81 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા..
રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે રાજ્યના 176 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં 11 તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના બારડોલી અને ડાંગના સુબીર તાલુકામાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ચાર ઇંચ અને તેમજ અમરેલીના બાબરામાં અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
આ સાથે રાજ્યમાં સિઝનનો 43 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યના 29 જળાશય હાઇ એલર્ટ પર જ્યારે 17 એલર્ટ પર છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 259 માર્ગ બંધ કરાયા છે.
દરમિયાન ભાવનગરના શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી  ખોલવામાં આવ્યા છે. જેને પગલે નિચાણવાળા 17 ગામોને એલર્ટ કરાયા છે. 
Site Admin | જુલાઇ 6, 2025 8:10 પી એમ(PM)
દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ સાથે રાજ્યમાં ચોમાસું જામ્યું- આજે 176 તાલુકામાં મેઘમહેર