પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની બે દિવસની સફળ મુલાકાત બાદ ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના પહોચ્યા છે.. ત્રિનિદાદ અને ટોબેગોની પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશોએ ઐતિહાસિક, સભ્યતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવ્યા.ગઈકાલે સાંજે રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ પોર્ટ ઓફ સ્પેનમાં ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ ઐતિહાસિક સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત માટે લોકશાહી માત્ર એક રાજકીય વ્યવસ્થા નથી પરંતુ જીવનશૈલી છે. શ્રી મોદીએ લોકશાહીને એક સહિયારા મૂલ્ય તરીકે પ્રશંસા કરી અને દેશના ભારતીય મૂળના મહિલા નેતાઓની પ્રશંસા કરી. શ્રી મોદીએ પ્રતીકવાદ અને ઐતિહાસિક સંદર્ભોથી સમૃદ્ધ, ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના ઐતિહાસિક બેઠક, પ્રતિષ્ઠિત રેડ હાઉસથી ગૃહને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ શાંતિ-પ્રેમી સમાજ માટે ગંભીર ખતરો છે. શ્રી મોદીએ વૈશ્વિક સમુદાયને આતંકવાદ સામેની લડાઈને મજબૂત બનાવવા હાકલ કરી.પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક શાસનમાં સુધારાની જરૂર છે અને ગ્લોબલ સાઉથને તેનો હક મળવો જોઈએ. બાદમાં પ્રધાનમંત્રીએ પ્રતિષ્ઠિત રેડ હાઉસ ખાતે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે વ્યાપક વાટાઘાટો કરી.વાતચીત બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશો આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા અને આપત્તિ વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તન, સંરક્ષણ, ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને કૃષિ સંશોધન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા છે. તેમણે આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનનો પણ પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ માળખાગત સુવિધાઓ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી મોદીએ પોર્ટ ઓફ સ્પેનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લાકંગાલુને પણ મળ્યા હતા.
Site Admin | જુલાઇ 5, 2025 8:47 એ એમ (AM)
ત્રિનિદાદ અને ટોબેગોની પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન બંને દેશોએ ઐતિહાસિક, સભ્યતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવ્યા