શાંઘાઈ સહકાર સંગઠન (SCO) ના રાષ્ટ્રોના વડાઓની બેઠક બાદ આજે બહાર પાડવામાં આવેલ તિયાનજિન ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સ્પષ્ટ અને એકીકૃત સંદેશ આપવામાં આવ્યો છે, સાથે જ પ્રાદેશિક સહયોગ અને નવીનકરણમાં ભારતના વધતા યોગદાનને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે.
સભ્ય દેશોએ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ઘોષણાપત્રમાં આતંકવાદને પોષનારા- ગુનેગારો, આયોજકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો
આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા, SCO રાષ્ટ્રોએ આવા જૂથોના ઉપયોગને નકારી કાઢ્યો હતો, અને ઉગ્રવાદી ધમકીઓનો સામનો કરવા માટે રાજ્યોના સાર્વભૌમ અધિકાર અને જવાબદારી પર પ્રકાશ પાડ્યો હતો. ઘોષણાપત્રમાં આતંકવાદની તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરીને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો અસ્વીકાર્ય હોવાનુ ઠરાવાયું હતું..
સભ્ય દેશોએ પ્રાદેશિક નીતિ અને વિકાસ પર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા બદલ નવી દિલ્હીમાં આયોજિત 20મા SCO થિંક ટેન્ક ફોરમનો પણ સ્વીકાર કર્યો.
તિયાનજિન ઘોષણાપત્ર આતંકવાદ સામેના સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે અને SCO છત્ર હેઠળ પ્રાદેશિક સહયોગને આકાર આપવામાં ભારતની ભૂમિકાના વધતા મહત્વને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 1:27 પી એમ(PM)
તિયાનજિન SCO સમિટના ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સ્પષ્ટ અને એકીકૃત સંદેશ અપાયો.