સપ્ટેમ્બર 28, 2025 7:35 પી એમ(PM)

printer

તમિલનાડુ સરકારે કરૂરમાં રાજકીય રેલીમાં થયેલી ભાગદોડની તપાસ માટે પૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું

તમિલનાડુ સરકારે કરુરમાં ટીવીકે દ્વારા આયોજિત રાજકીય રેલીમાં થયેલી ભાગદોડની તપાસ માટે ભૂતપૂર્વ વડી અદાલતના ન્યાયાધીશ અરુણા જગદીસનના નેતૃત્વમાં એક સભ્યનું તપાસ પંચ રચ્યું છે, આ ઘટના ગઈકાલે અભિનેતામાંથી રાજકારણી બનેલા અને ટીવીકેના સ્થાપક વિજયના સ્વાગત માટે એક વિશાળ મેળાવડા દરમિયાન બની હતી. આ ઘટનામાં મૃત્યુઆંક 40 થયો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ૮૧ લોકો સારવાર હેઠળ છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. મૃતકોની ઓળખ પૂર્ણ થઈ ગઈ છે, અને મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
વિવિધ રાજકીય નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય કરાશે
દરમિયાન, નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ અને વિપક્ષના નેતા ઇ. પલાનીસ્વામીએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી. શ્રી પલાનીસ્વામીએ સરકાર પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન કરવાનો આરોપ લગાવ્યો.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક જી. વેંકટરામને જણાવ્યું કે ટીવીકે પાર્ટીના મહાસચિવ એન. આનંદ અને અન્ય ચાર લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પ્રમુખ અને ધારાસભ્ય નૈનાર નાગેન્દ્રને સુપ્રીમ કોર્ટની સીટિંગ બેન્ચ પાસે ઘટનાની તપાસ કરાવવાની માંગ કરી છે.
દરમિયાન, અભિનેતા અને ટીવીકે પાર્ટીના સ્થાપક વિજયે મૃતકોના પરિવારજનોને 20 લાખ રૂપિયાનું વળતર આપવાની અને ઘાયલોનો તબીબી ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. ટીવીકેએ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચને કરુર ભાગદોડ કેસની સુઓમોટો નોંધ લેવા વિનંતી કરી છે. જોકે, જસ્ટિસ ધંડાપાણીએ પક્ષને કોર્ટમાં ઔપચારિક અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અરજી પર આવતીકાલે બપોરે 2 વાગ્યા પછી સુનાવણી થવાની અપેક્ષા છે.