તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે વડી અદાલતના નિવૃત ન્યાયાધીશ જસ્ટિસ અરુણા જગદીસનના નેતૃત્વમાં એક સભ્યના કમિશનની જાહેરાત કરી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં, શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ તેમના સંદેશમાં કહ્યું કે, કરુરમાં જાહેર સભામાં બનેલી દુ:ખદ ઘટનાએ અકથ્ય પીડા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે તેવી કામના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જીવ ગુમાવનારા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.કેન્દ્ર સરકારે તમિલનાડુ સરકારને આ ઘટના અંગે અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 9:29 એ એમ (AM)
તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત-રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને દસ લાખની સહાય જાહેર કરી
