ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 16, 2025 7:18 પી એમ(PM)

printer

ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા બદલ સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર માટે પસંદગી

પંચાયતીરાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર 2025 માટે સુરતની પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે. ગ્રામ્યસ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા પહેલી વાર આ પુરસ્કારનું આયોજન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આગામી 22 અને 23 સપ્ટેમ્બરે યોજાનારી 28-મી રાષ્ટ્રીય ઇ-શાસન પરિષદમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, ત્રિપુરા અને ઓડિશાની અન્ય પંચાયતોને પણ આ પુરસ્કાર અપાશે.

પલસાણા ગ્રામ પંચાયતનો આ પ્રયાસ “ડિજિટલ ઇન્ડિયા” તરફ એક સશક્ત પગલું છે. ઇ-ગ્રામ પરિયોજના હેઠળ સરકારની તમામ ડિજિટલ સેવાઓ લોકોને ઘરઆંગણે પહોંચાડાય છે. ડિજિટલ ગુજરાત, ઇ-ઓળખ અને PM કિસાન જેવા પૉર્ટલ્સ દ્વારા ગ્રામજનો જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, રાશનકાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, વીજળી પહોંચ, જમીનના રૅકોર્ડ અને મનરેગા જોબકાર્ડ જેવી સેવાઓ મેળવી શકે છે. પલસાણાના સરપંચ પ્રવિણ આહિર જણાવે છે, તેમના ગામમાં એક પહેલ તરીકે ગ્રામ પંચાયતની વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. તેની પર લોકો સફાઈ, વીજળી કે પાણી જેવી સમસ્યાઓનો ફોટો અપલૉડ કરી શકે છે અને પંચાયત તાત્કાલિક તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.