ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. ૧ સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરુ થયાના પ્રથમ દિવસે જ તકનીકી કારણોસર એક દિવસ માટે નોંધણી પ્રક્રિયા બંધ રહી હતી. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીનું વાવેતર પુષ્કળ થયું હોવાથી અનેક ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની સમય મર્યાદા લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જેથી ખેડૂત મિત્રોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:11 એ એમ (AM)
ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
