ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઝારખંડમાં સરેરાશ 67.59 ટકા અને મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન નોંધાયું છે. ઝારખંડમાં આજે બીજા તબક્કા અંતર્ગત 12 જિલ્લાની 38 બેઠક માટે અને મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન થયું છે.
ઝારખંડમાં સૌથી વધારે સરેરાશ 76.16 ટકા મતદાન જમતારા જિલ્લામાં તો સૌથી ઓછું 60.97 ટકા મતદાન બોકારો જિલ્લામાં નોંધાયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે સરેરાશ 69.63 ટકા મતદાન ગડચિરોલી જિલ્લામાં અને સૌથી ઓછું 49.07 ટકા મતદાન મુંબઈ શહેરમાં થયું છે.
ઝારખંડમાં નક્સલ અસરગ્રસ્ત 31 બૂથ પર સુરક્ષાના કારણોસર બપોરે 4 વાગ્યે જ મતદાન પૂર્ણ કરાયું હતું. ઝારખંડમાં બીજા તબક્કા માટે 528 ઉમેદવાર મેદાનમાં હતા.
Site Admin | નવેમ્બર 20, 2024 7:33 પી એમ(PM)
ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.
