કેન્દ્ર સરકારની 11 જેટલી મુખ્ય યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ રહી છે. “હોલીસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી” અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર મેળવ્યો છે.ગઈ કાલે કલેક્ટર પ્રભવ જોષીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને 20 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર સ્વીકાર્યો હતો. ‘હોલીસ્ટિક ડેવલપમેન્ટ’ કેટેગરી અંતર્ગત હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ તથા શહેરી), આયુષ્માન ભારત –PM JAY, પીએમ સ્વનિધી, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ખેડૂતો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પીએમ વિશ્વકર્મા, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 તથા પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજનાઓ સહિતની કુલ 11 યોજનાઓનાં લાભ લોકો સુધી પહોંચાડવા અંગેની સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં 32 હજારથી વધુ ઘરો પ્રધાનમંત્રી સૂર્યઘરની યોજનાથી જોડાઈ ઉર્જા બાબતમાં આત્મનિર્ભર બન્યા છે. જેમાંથી 81 ટકા વપરાશકર્તાઓ ઉત્પાદક તથા ઉપભોક્તા બની ચૂક્યા છે.
Site Admin | એપ્રિલ 22, 2025 9:34 એ એમ (AM)
જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ “હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી”માં રાજકોટને દેશનાં સર્વશ્રેષ્ઠ જિલ્લાનો પ્રધાનમંત્રી પુરસ્કાર
