પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત દરમિયાન નયા રાયપુરમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના આદ્યાત્મિક કેદ્ર એવા શાંતિ શિખરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન માટેનું એક આધુનિક કેન્દ્ર છે.
આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રનો વિકાસ તેના રાજ્યોના વિકાસ સાથે જોડાયેલો છે. તેમણે ઉમેર્યું કે આ મંત્ર દ્વારા માર્ગદર્શન મેળવીને, સરકાર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રહ્માકુમારીઝ જેવી સંસ્થાઓની આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે.
તેમણે ઉમેર્યુ કે ભારત વિશ્વના દેશો માટે વિશ્વાસપાત્ર દેશ તરીકે ઉભરી રહ્યો છે. વિશ્વમાં કોઇ પણ સ્થળે આપત્તિ આવે છે તો તેને મદદ કરવા ભારત તત્પર હોય છે.
અગાઉ, પ્રધાનમંત્રીએ નયા રાયપુરમાં શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે “દિલ કી બાત” કાર્યક્રમ હેઠળ લગભગ અઢી હજાર બાળકો સાથે વાતચીત કરી હતી. જન્મજાત હૃદય રોગથી પીડાતા આ બાળકોએ હોસ્પિટલમાં નિઃશુલ્ક અને સફળ સારવાર મેળવી છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ બાળકોને “જીવન ભેટ” પ્રમાણપત્રો અર્પણ કર્યા.
આ કાર્યક્રમ બાદ તેમણે રાયપુરમાં છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કર્યુ અને તેના પરિસરમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું.