ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યુ છે.ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 243 સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી આ વર્ષે 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં, 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં, 122 બેઠકો પર મતદાન થશે.આમ આદમી પાર્ટીએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ બેગુસરાય મતવિસ્તારથી ડૉ. મીરા સિંહ, બાંકીપુરથી ડૉ. પંકજ કુમાર, ગોવિંદગંજ બેઠક પરથી અશોક કુમાર સિંહ અને ફુલવારી વિધાનસભા મતવિસ્તારથી અરુણ કુમાર રજકને મેદાનમાં ઉતાર્યા છે. બેનીપટ્ટી વિધાનસભા બેઠક પરથી શુભદા યાદવ, કસ્બાથી ભાનુ ભારતીય અને કિશનગંજ વિધાનસભા મતવિસ્તારથી અશરફ આલમને પણ ટિકિટ આપવામાં આવી છે.ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ બિહારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાત કરોડ ૪૩ લાખ મતદારો માટે ૯૦ હજાર ૭૧૨ થી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. બિહારમાં કુલ ૨૪૩ વિધાનસભા બેઠકો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે સાત રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી હતી.આ વિધાનસભા બેઠકોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટસિલા, તેલંગાણામાં જુબિલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે. પેટાચૂંટણીઓ ૧૧ નવેમ્બરે યોજાશે અને મતગણતરી બિહારની ચૂંટણી સાથે થશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે દેશભરમાં સંપૂર્ણ સમીક્ષા ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બિહારમાં, વિધાનસભા ચૂંટણી પહેલા, પંચે એક ખાસ સમીક્ષા ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ૬૯ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને બહુવિધ મતદાર ઓળખ કાર્ડ ધરાવતા લોકોનો સમાવેશ થતો હતો.સુધારણા પછી, બિહારમાં માન્ય મતદારોની સંખ્યા હવે ૭૪.૩ લાખ થઈ ગઈ છે. રાજ્યમાં ૬ અને ૧૧ નવેમ્બરે મતદાન થશે. મતગણતરી ૧૪ નવેમ્બરે થશે.
Site Admin | ઓક્ટોબર 7, 2025 8:16 એ એમ (AM)
ચૂંટણી જાહેર થતા જ બિહારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી
