ડિસેમ્બર 7, 2025 7:46 એ એમ (AM)

printer

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 23 લોકોના મોત – ઘણા ધાયલ

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા. આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને ત્રણ-ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 23 લોકોમાંથી ત્રણ લોકો દાઝી જવાથી અને બાકીના લોકો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા છે.ગોવાના પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે જણાવ્યું હતું કે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મૃતદેહો મળી આવ્યા છે. પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે પોલીસ ઘટનાના કારણની તપાસ કરશે અને તારણોના આધારે કાર્યવાહી કરશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગોવામાં થયેલા આગ દુર્ઘટનાના મૃતકો માટે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ શોક વ્યક્ત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં શક્તિ મળે. રાષ્ટ્રપતિએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય. પ્રધાનમંત્રીએ ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે પણ પરિસ્થિતિ વિશે વાત કરી અને કહ્યું કે, રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.