રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિનની સંધ્યાએ નવપલ્લવિત ગુજરાત શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતી કરાઇ હતી. આ કાર્યક્રમમાં રાજયને ગૌરવ અપાવનાર છ વ્યક્તિ વિશેષનું ગુજરાત ગરિમા એવોર્ડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર દશ વ્યક્તિઓનું સન્માન પણ કરાયું હતું.રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત પાવનધરા પંચમહાલ પુસ્તિકા, વિઝન ડોક્યુમેન્ટ્સ @2047 અને ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારોના વિકાસ માટે અઢી કરોડ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અને ગ્રામીણ વિકાસ માટે અઢી કરોડ રૂપિયાનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કરાયો હતો. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં અભૂતપૂર્વ વિકાસ સાધીને ગુજરાત દેશનું રોલ મોડેલ રાજ્ય બન્યું છે. પ્રધાનમંત્રીના વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા અદા કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત માત્ર ચાર અક્ષરોનો શબ્દ નહી પણ, સર્વાંગીણ વિકાસનો પર્યાય બની ગયો છે. નક્કર અને વાસ્તવિક વિકાસ લોકો નરી આંખે જોઇ શકે છે. માત્ર વિકાસની વાતો કે વાતોમાં જ વિકાસ નહી પરંતુ, તેને જમીન ઉપર ઉતાર્યો છે. આ વિકાસના કારણે જ અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં વસતા વનબંધુ હવે વિશ્વબંધુ બન્યા છે.
Site Admin | મે 2, 2025 7:39 એ એમ (AM)
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, અંતર્ગત ગઇકાલે સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત ગરિમા ઍવોર્ડ એનાયત કરાયા
