ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮ ટકા નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૮૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૬ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
દરમિયાન, આજે રાજ્યમાં નહિંવત વરસાદ પડ્યો છે. સવારે છથી બપોરનાં 12 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં હળવોથી સામાન્ય વરસાદ પડ્યો છે. પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં સાર્વત્રિક મહેરનાં કારણે રાજ્યના ૫૫ ટકાથી વધુ એટલે કે ૨૦૬ જળાશયોમાંથી ૧૧૫ જળાશયો સંપૂર્ણ ભરાયા છે, જ્યારે ૪૫ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
૧૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૦ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨ લાખ ૮૮ હજા ૨૪૮ MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ વાગ્યાના અહેવાલ મુજબ સરદાર સરોવર યોજનામાં ૨.૩૫ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૮૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
અમારા ભરૂચના પ્રતિનિધી જણાવે છે કે, સાહોલ અને વડોલી વાંક વચ્ચે કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદને કારણે હાંસોટ તાલુકામાંથી ૧૬૬ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આસરમાં ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાંથી ૧૧૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સુરતના ઓલપાડ અને હાંસોટને જોડતા માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
દરમિયાન, વાલોડ મહુવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને નદી કિનારાની ખેતીની જમીન ધોવાઇ જતાં સર્વે કરી પ્રોટેક્શન વોલ માટે મંજૂરી આપવા માંગણી કરી છે. આ ઉપરાંત, મહુવા, બુહારી,સહિતનાં ગામોમાં સર્વે કરવાની પણ માંગણી કરી છે.
અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ભારે વરસાદને કારણે વાત્રક જળાશય 55 ટકા, માઝમ જળાશય 93 ટકા અને મેશ્વો જળાશય 71 ટકા ભરાયો છે…મેશ્વો જળાશયમાં પાણીની આવક વધવાથી નીચાણવાળા મોડાસા, ધનસુરા અને ભિલોડા તાલુકાનાં ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે.
અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, જિલ્લામાં પુરગ્રસ્ત પરિસ્થિતિમાં રોગચાળો થવાની શકયતા રહેલી છે. આરોગ્ય તંત્રની ૬૮૬ ટીમો દ્વારા ૨ હજાર ૨૫૪ વ્યકિતઓને વિવિધ રોગોની પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 3:07 પી એમ(PM)
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી
