ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથવિધિ યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી સહિત 21 મંત્રીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. કૅબિનેટ મંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીને મંત્રીમંડળમાં યથાવત્ રખાયા છે. આ સાથે મુખ્યમંત્રી સાથે સરકારના મંત્રીઓની કુલ સંખ્યા 26 થઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતેન્દ્ર વાઘાણી, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કોડીનારનાં ધારાસભ્ય ડૉક્ટર પ્રદ્યુમન વાજા અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીએ કૅબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. જ્યારે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, સુરતના ધારાસભ્ય પ્રફૂલ પાનશેરિયા અને વડોદરાનાં ધારાસભ્ય ડૉક્ટર મનીષા વકીલે સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે શપથગ્રહણ કર્યાં.
ઉપરાંત મોરબીના કાંતિલાલ અમૃતિયા, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, અસારવાનાં ધારાસભ્ય દર્શના વાઘેલા, અમરેલીના કૌશિક વેકરિયા, ડીસાના પ્રવિણકુમાર માળી, નિઝરના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ, મહુધાના ધારાસભ્ય સંજય મહિડા, અરવલ્લીના પૂનમચંદ બરંડા, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને જામનગરનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે શપથ લીધા હતા.