ગુજરાતના વડોદરા જિલ્લામાં પાદરા નજીક આજે વહેલી સવારે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને નવ લોકોને બચાવીને તેમાં પાંચને સારવાર માટે મોકલી આપ્યાં હોવાનું વડોદરા જીલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યુ.
વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સહિત સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકો અને તરવૈયાઓ કામગીરીમાં જોડાયા હતા, જ્યારે આણંદથી ત્રણ ફાયર બ્રિગેડ ટીમો શોધ અને બચાવમાં મદદ કરવા હોડી સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ પુષ્ટિ કરી કે આ ઘટના વહેલી સવારે બની હતી, જેમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. “બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે,”
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની એક ટુકડીને ખાસ સાધનો સાથે તહેનાત કરવામાં આવી છે, જેમાં ઇન્ફ્લેટેબલ રેસ્ક્યુ બોટ (IRB), આઉટબોર્ડ મોટર્સ (OBM) અને ડીપ ડાઇવર્સનો સમાવેશ થાય છે. દરમિયાન, નદીમાં ડૂબી ગયેલા વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારે બ્રિજ તૂટી પડવાના કારણની તપાસ કરવા અને વિગતવાર અહેવાલ રજૂ કરવા ટેકનિકલ નિષ્ણાતોની એક ટુકડી ઘટનાસ્થળે મોકલી છે. બચાવ પ્રયાસો ચાલુ હોવાથી, અધિકારીઓ વધુ દુર્ઘટનાઓને રોકવા બાકીના બ્રિજના ભાગોની માળખાકીય અખંડિતતાનું મૂલ્યાંકન કરી રહ્યા છે. બ્રિજ તૂટી પડવાનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ આ દુર્ઘટનાના મૃતકોને પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ- P.M.N.R.F.માંથી બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર શ્રી મોદીએ જણાવ્યું, ઘટનાના ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં સોશિયલ મિડિયા પર જણાવ્યું, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાય અપાશે. જ્યારે ઇજાગ્રસ્ત દરેક વ્યક્તિને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.
Site Admin | જુલાઇ 9, 2025 2:02 પી એમ(PM)
ગુજરાતના વડોદરા જીલ્લાના પાદરા પાસે બ્રિજનો એક ભાગ તૂટી પડતાં નવનાં મોત અને નવ ઇજાગ્રસ્ત