ડિસેમ્બર 19, 2025 7:07 એ એમ (AM)

printer

ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારો માટે વિશેષ સઘન સુધારણા-SIRની ડ્રાફ્ટ મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરાશે

ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારો માટે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની મુસદ્દા મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરાશે.
જિલ્લા ચૂંટણી અધિકારીઓ સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ યાદીની નકલો સોંપશે.
મતદારો મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ, વોટર પોર્ટલ, ECINET APP, તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી પોતાનું નામ ચકાસી શકશે. ફરિયાદો અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયા આજથી સત્તાવાર રીતે શરૂ થશે અને તે 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.
મુસદ્દા મતદાર યાદીમાં નામ ન હોય તો મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે સોગંદનામું રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. જો મુસદ્દા મતદારયાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સાથે ફોર્મ નંબર 8 ભરીને અરજી કરી શકાશે. મુસદ્દા મતદારયાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકાશે.