ગાંધીનગરમાં આજે છ જાન્યુઆરીએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાશે. પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવા અને પશુપાલકોના કૌશલ્યને બિરદાવવા NFSU ખાતે આ સમારોહનું આયોજન કરાયું છે.આધુનિક ટૅક્નોલૉજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડ સ્થાપિત કરનારા પશુપાલકોને પ્રોત્સાહિત કરાશે. ગાંધીનગરમાં યોજાનારા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં રાજ્યકક્ષાએ પહેલા ત્રણ ક્રમાંકના પશુપાલકોને પુરસ્કારની સાથે ક્રમશઃ એક લાખ, 51 હજાર અને 31 હજાર રૂપિયાની પ્રોત્સાહક રકમ, જ્યારે જિલ્લાકક્ષાએ 66 વિજેતા અને તાલુકાકક્ષાએ 496 જેટલા પુરસ્કાર વિજેતા પશુપાલકોને કુલ 91 લાખ રૂપિયાથી વધુની પ્રોત્સાહક રકમ એનાયત કરાશે. ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવા અને પશુપાલકોના કૌશલ્યને બિરદાવવા માટે યોજાનારા સમારોહમાં પશુપાલન મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી રમેશ કટારા વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરશે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 9:28 એ એમ (AM)
ગાંધીનગર નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે આજે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે