ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ટાઈફોઈડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગાંધીનગરમાં ફેલાયેલા ટાઇફોઇડના રોગચાળાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.ગાંધીનગરના શહેરી વિસ્તારોમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઇફોઇડના રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવાયેલા પગલાંની વિસ્તૃત માહિતી મેળવીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતા મહાનગર પાલિકાએ પાણીપુરી અને ઠંડા પીણાંની 100થી વધુ લારીઓ તાત્કાલિક અસરથી બંધ કરાવી છે.ગાંધીનગર શહેરમાં તાજેતરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળા અને ખાસ કરીને ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને, જાહેર સ્વાસ્થ્યના હિતમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી, પાણીપુરી, બરફના ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમોને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 9:32 એ એમ (AM)
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરીને ટાઈફોઈડના કેસો રોકવા તાત્કાલિક પગલાં લેવા આરોગ્ય વિભાગને સૂચના આપી, પાણીપુરી સહિતની ખાણીપીણીની લારીઓને બંધ કરાવાઇ