ગયાના અને બાર્બાડોસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમનાં દેશનાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવાની જાહેરાત કરી છે. ગયાના સરકાર પ્રધાનમંત્રીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર “ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ” એનાયત કરશે, જ્યારે બાર્બાડોસ શ્રી મોદીને પ્રતિષ્ઠિત ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી પણ સન્માનિત કરશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ડોમિનિકાએ શ્રી મોદીને તેના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
દરમિયાન, પ્રધાનમંત્રી આજે સવારે ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા હતા. ગયાનાના રાષ્ટ્રપતિએ કેબિનેટ મંત્રીઓ સાથે એરપોર્ટ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી આજે સાંજે જ્યોર્જટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ ઈરફાન અલી સાથે વાતચીત કરશે. વાટાઘાટો બાદ ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે.
પ્રધાનમંત્રી મોદી આજે બીજી CARICOM-ભારત સમિટમાં પણ ભાગ લેશે. શ્રી મોદી CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટના 20 વિકાસશીલ સભ્ય દેશોના નેતાઓ સાથે આ ક્ષેત્ર સાથેની ભારતની લાંબા ગાળાની મિત્રતાને વધુ આગળ વધારવા માટે બેઠકો કરશે. આવતીકાલે પ્રધાનમંત્રી ગયાનાની સંસદને સંબોધન કરશે. તેઓ ભારતીય પ્રવાસીઓની સભાને પણ સંબોધિત કરશે.
Site Admin | નવેમ્બર 20, 2024 2:46 પી એમ(PM)
ગયાના અને બાર્બાડોઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનાં દેશનાં સર્વોચ્ચ સન્માનથી નવાજશે
