મતદાર યાદીમાં ખાસ સઘન સુધારા સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભા પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી બાદમાં 2 વાગ્યા સુધી જ્યારે રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ જ્યોર્જિયાથી આવેલા સંસદીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. શ્રી બિરલાએ કહ્યું કે, આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને સંબંધોને વધુ મજબૂત બનાવશે.
લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતાં વિરોધ પક્ષોએ મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા સહિત વિવિધ મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા પરંતુ હોબાળા વચ્ચે પણ મંત્રીઓએ સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
જોકે, કોંગ્રેસ, TMC, DMK, SP અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહની મધ્યમા ધસી જઈને SIR અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યસભામાં પણ આ જ મુદ્દાઓ અંગે ભારે શોરબકોર થતાં ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી કરાઇ હતી.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ વિપક્ષોના નેતાઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રૉલિસ્ટ SIR ના મુદ્દા પર સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ટીકા કરી છે.
દરમિયાન રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય લોકો સહિત વિપક્ષોના નેતાઓએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને SIR ને પાછું ખેંચવાની માંગ કરી.
Site Admin | ડિસેમ્બર 2, 2025 2:24 પી એમ(PM)
ખાસ મતદાર સુધારણા અભિયાન સહિતના મુદ્દાઓ પર વિરોધ પક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે.