ઓક્ટોબર 14, 2025 2:11 પી એમ(PM)

printer

કોલ્ડ્રિફ કફ સિરપ સહિત વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત ત્રણ ભેળસેળયુક્ત કફ સિરપ ઓળખી.

કોલ્ડ્રિફ કફ સિરપ સહિત વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત ત્રણ ભેળસેળયુક્ત કફ સિરપ શોધ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આ ત્રણે સિરપ ગંભીર અને સંભવિત રીતે જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.
સંગઠને વિશ્વભરના અધિકારીઓને વિનંતી કરી છે કે જો તેમના દેશોમાં આમાંથી કોઈ પણ ઉત્પાદન મળી આવે તો એજન્સીને જાણ કરે. સંગઠને કહ્યું કે આવી દવાઓ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૂચવવી જોઈએ નહીં અથવા વિતરિત કરવી જોઈએ નહીં અને સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દવાની ભલામણ થતી નથી.
વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના કોલ્ડ્રિફ, રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સના રેસ્પિફ્રેશ TR અને શેપ ફાર્માના રીલાઇફના ચોક્કસ બેચને અસરગ્રસ્ત દવાઓ તરીકે ઓળખ્યા છે.
એક અઠવાડિયા પહેલા મધ્યપ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સિરપના સેવન સાથે સંકળાયેલા ઘણા બાળકોના મૃત્યુ થયા હતા. જેના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચેતવણી જારી કરવાની ફરજ પડી હતી, જેમાં બાળકો માટે કફ સિરપના પ્રિસ્ક્રિપ્શનમાં અત્યંત સાવધાની રાખવાની વિનંતી કરવામાં આવી હતી.
તમિલનાડુમાં ઉત્પાદિત કોલ્ડ્રિફ સિરપ ઝેરી રાસાયણિક ડાયથિલિન ગ્લાયકોલથી ખતરનાક રીતે દૂષિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, શ્રીસન ફાર્માસ્યુટિકલ્સનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવામાં આવ્યું, અને તેના માલિક, જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી.