કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે વિવિધ રાજ્યોમાં તબીબો હડતાળ કરી રહ્યા છે.
ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતગર્ત આજે સવારે છ વાગ્યાથી લઇને આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે. જ્યારે અમદાવાદમાં સાતસો તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. કોલકતાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીની માંગણી સાથે આ હડતાળ કરવામાં આવી રહી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન – IMAની દેશવ્યાપી હડતાળના કારણે બિહારમાં આરોગ્ય સુવિધાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ છે. કોલકાતા આરોગ્ય મહાવિદ્યાલય અને હૉસ્પિટલની ઘટનાને લઈ સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં આરોગ્યકર્મીઓની હડતાળના કારણે આરોગ્યની સુવિધાઓને અસર થઈ છે.
રાજ્ય મેડિકલ કૉલેજના જૂનિયર અને સ્થાનિક તબીબ કાર્યસ્થળ પર આરોગ્યકર્મીઓની સલામતી મામલે હડતાળ પર છે. જ્યારે પટના આરોગ્ય મહાવિદ્યાલય તેમ જ હૉસ્પિટલ, નાલંદા આરોગ્ય મહાવિદ્યાલય, હૉસ્પિટલ અને ઇન્દિરા ગાંધી આરોગ્ય વિજ્ઞાન સંસ્થાન, પટનામાં ઇમરજન્સી અને ઓપીડી સુવિધાઓ બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.