ઓગસ્ટ 10, 2025 8:41 એ એમ (AM)

printer

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને નોટિસ જારી કરી 28 ઓગસ્ટે જવાબ માંગ્યો

દિલ્હીની ખાસ PMLA અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની ફરિયાદની નોંધ લેતા ગુરુગ્રામમાં વિવાદાસ્પદ જમીન સોદાના સંદર્ભમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને નોટિસ જારી કરી 28 ઓગસ્ટે જવાબ માંગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ખાસ અદાલતને જણાવ્યું છે કે વાડ્રાને મની લોન્ડરિંગ કેસમાં 58 કરોડ રૂપિયા મળ્યા છે. વાડ્રા અને અન્યો સામેની ચાર્જશીટમાં ED એ કહ્યું છે કે 53 કરોડ રૂપિયા સ્કાયલાઇટ હોસ્પિટાલિટી દ્વારા અને 5 કરોડ રૂપિયા બ્લુ બ્રિઝ ટ્રેડિંગ દ્વારા મોકલવામાં આવ્યા હતા. ED એ તેની ફરિયાદમાં કહ્યું છે કે વાડ્રાએ આ પૈસાનો ઉપયોગ તેમની વિવિધ ગ્રુપ કંપનીઓના રિયલ એસ્ટેટ ખરીદવા, રોકાણ કરવા, લોન લેવા અને જવાબદારીઓ ચૂકવવા માટે કર્યો હતો. ED એ કોર્ટને જણાવ્યું હતું કે તેની તપાસમાં કુલ 38 કરોડ 69 લાખ રૂપિયાની 43 સ્થાવર મિલકતોની કામચલાઉ જપ્તી કરવામાં આવી છે.ED એ PMLA ની કલમ 4 હેઠળ આરોપીઓ માટે મહત્તમ સાત વર્ષની જેલ અને મિલકત જપ્ત કરવાની માંગ કરી છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ગુનાની સીધી આવક તરીકે ઓળખાયેલી મિલકતોમાં રાજસ્થાનના બિકાનેરમાં જમીન, ગુરુગ્રામના ગુડ અર્થ સિટી સેન્ટરમાં એકમો, મોહાલીના બેસ્ટેક બિઝનેસ ટાવરમાં એકમો અને અમદાવાદના જય અંબે ટાઉનશીપમાં રહેણાંક એકમોનો સમાવેશ થાય છે.