જુલાઇ 27, 2025 4:56 પી એમ(PM)

printer

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારત તેની માળખાગત સુવિધાઓ અને સૈન્યતંત્ર ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારત તેની માળખાગત સુવિધાઓ અને સૈન્યતંત્ર ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી.
સૈન્ય-તંત્ર ક્ષેત્રને 21મી સદીના ભારત માટે મહત્વના પરિવર્તન તરીકે ગણાવતા તેમણે કહ્યું, આમાં યુવાનો માટે પુષ્કળ તક છે અને તે વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. સરકારની પહેલો પર પ્રકાશ પાડતા, શ્રી સિંઘે કહ્યું, મલ્ટિ-મૉડલ પરિવહન કેન્દ્ર બનાવવા અને મિશન મૉડ યોજનાઓના અમલીકરણ જેવી પહેલોએ સૈન્ય-તંત્ર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને આંકડા આધારિત નિર્ણય લેવાને પ્રોત્સાહન આપ્યું છે.
આ જ કાર્યક્રમમાં બોલતા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત 11 વર્ષમાં ભારતીય રેલવેમાં પરિવર્તનશીલ ફેરફાર પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, રેલવે નેટવર્ક 5 હજાર 300 કિલોમીટર વિસ્તર્યું છે અને ટનલ બાંધકામ 368 કિલોમીટર સુધી પહોંચ્યું છે. શ્રી વૈષ્ણવે સ્નાતક વિદ્યાર્થીઓને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. આ ક્ષેત્રમાં નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો.
તેમણે યુવાનોને “વિકાસના એન્જિન” તરીકે ઓળખાવ્યા અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા તેમને અપીલ કરી.
પદવીદાન સમારોહ દરમિયાન કુલ 194 વિદ્યાર્થીએ વિવિધ વિષયમાં પદવી પ્રાપ્ત કરી. દરેક અભ્યાસક્રમમાંથી એક વિદ્યાર્થીને શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરાયા. જ્યારે ઉત્કૃષ્ટ પરિયોજના અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારો પણ અપાયા.