કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ દેશનાં લોકો બીજાં દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા જણાય તો તેમની સામે પગલાં લેવા એ દેશોની ફરજ છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં સર્વસ્વીકૃત સિધ્ધાંત પણ છે.
અમેરિકામાંથી ભારતીય નાગરિકોના દેશનિકાલ પર નિવેદન આપતાં ડૉક્ટર જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને પાછા લેવાની જે તે દેશની ફરજ છે. તેમણે માહિતી આપી કે દેશનિકાલની પ્રક્રિયા નવી નથી અને તે એક સતત પ્રક્રિયા છે જેમાં લશ્કરી અને નાગરિક બંને પ્રકારના વિમાનોનો ઉપયોગ થાય છે.
તેમણે અન્ય દેશોમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયોના આંકડા ગૃહ સમક્ષ રજૂ કરતા કહ્યું કે 2009માં 734 લોકોને ભારત મોકલવામાં આવ્યા હતા, જ્યારે 2024માં એક હજાર 368 અને આ વર્ષે 104 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ભારતીયો સાથે ગેરવર્તણુંક ન થાય તે સુનિશ્ચિત કરવા ભારત સરકાર અમેરિકન સત્તાવાળાઓનાં સંપર્કમાં છે.
શ્રી જયશંકરનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સભ્ય રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું કે, અમેરિકા આ જ રીતે સાત લાખથી વધુ ભારતીયોને દેશનિકાલ કરવા માંગે છે. તેમણે જણાવ્યું કે, સરકારે ગૃહને જણાવવું જોઇએ કે આવા કેટલાંક ભારતીયો અમેરિકાની જેલમાં બંધ છે અને ભારત સરકારે તેમને કાનૂની મદદ આપી છે કે નહીં.
અગાઉ, વિરોધ પક્ષોએ અમેરિકામાંથી ભારતીય નાગરિકોનાં દેશનિકાલ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરતા સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
ડોક્ટર જયશંકરે વિરોધપક્ષનાં હોબાળા વચ્ચે આ જ નિવેદન લોકસભામાં કર્યું હતું. તેમનાં નિવેદન બાદ પણ શોરબકોર ચાલુ રહેતાં અધ્યક્ષે આજનાં દિવસ પૂરતી ગૃહની કાર્યવાહી મોકૂફ રાખી હતી.