માર્ચ 1, 2025 2:03 પી એમ(PM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની પુનઃ વિકાસ કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું.
મીડિયાને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જાહેર સૂચનોના આધારે, સ્ટેશનની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વારમાં ગુજરાતના સાંસ્કૃતિક પ્રતીક ‘તોરણ’ જેવી મુખ્ય વિશેષતાઓ શામેલ કરાશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ માટે સૌથી આધુનિક માળખાકીય બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આગામી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થશે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૭ ટકા રેલ્વે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ૧૦૦ ટકા રેલ્વે લાઇનનું વીજળીકરણ કરવામાં આવશે. ગુજરાતના વિકાસ પ્રત્યે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતને રેલ્વે વિકાસ માટે ૧૭,૧૫૫ કરોડ રૂપિયાનું રેકોર્ડ બજેટ ફાળવવામાં આવ્યું છે.
શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે, દાહોદ ખાતે રેલવે એન્જિન ઉત્પાદન પ્લાન્ટનું કામ પૂર્ણ થવાના આરે છે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેઓ દાહોદમાં ટ્રેક બાંધકામ બેઝ, આણંદ હાઇ-સ્પીડ રેલ્વે સ્ટેશન અને લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપના ચાલી રહેલા કાર્યનું નિરીક્ષણ પણ કરશે