કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતમાં નિર્માણ હેઠળ નવસારીના બિલિમોરા બૂલેટ ટ્રૅન મથકની મુલાકાત લીધી. આ મથક મુંબઈ—અમદાવાદ બૂલેટ ટ્રૅન પરિયોજનાનો મહત્વનો ભાગ છે. શ્રી વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, બૂલેટ ટ્રૅન જોડાણનો પહેલો ભાગ બિલિમોરાથી સુરત સુધી વર્ષ 2027 સુધી શરૂ કરાશે. મુંબઈ—અમદાવાદ બૂલેટ ટ્રૅન પરિયોજના દેશનો પહેલો 508 કિલોમીટર હાઇ-સ્પીડ રૅલવે કૉરિડોર છે.
આ પહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વલસાડમાં RPF-ના 41-મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કર્મચારી પસંદગી આયોગ – SSC દ્વારા રેલવે સુરક્ષા દળ–RPF-માં વાર્ષિક ધોરણે ભરતી કરાશે, તેવી જાહેરાત કરી. તેમણે RPF-ને આધુનિક ટૅક્નોલૉજીથી સજ્જ કરવા સાથેની વિવિધ પહેલનો શુભારંભ કરાવ્યો. શ્રી વૈષ્ણવે કહ્યું, કર્મચારીઓને ઊચ્ચ ગુણવત્તા-વાળા VHF સેટ અપાશે તેમજ ઉન્નત ડિજિટલ તથા ડ્રૉન તાલીમ પણ અપાશે.
શ્રી વૈષ્ણવે આગામી દિવાળી અને છઠપૂજા દરમિયાન 12 હજાર વિશેષ ટ્રૅન દોડાવવાની પણ જાહેરાત કરી. આ પ્રસંગે તેમણે RPF પરેડનું નિરીક્ષણ કર્યું અને 40 કર્મચારીઓને ઉત્તમ સેવા બદલ સન્માનિત કર્યા