ડિસેમ્બર 18, 2025 7:54 પી એમ(PM)

printer

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર.

લોકસભામાં આજે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો. આ ખરડો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ – મનરેગા 2005નું સ્થાન લેશે. આ ખરડાનો ઉદ્દેશ વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડા હેઠળ દર વર્ષે દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના વેતન રોજગારની કાયદાકીય બાંહેધરી અપાશે. તેમાં પરિવારના પુખ્ત વયના અકુશળ સભ્યો કે, જેઓ શારીરિક શ્રમ કરવા તૈયાર છે તેમને વેતન અપાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે રકમની વહેંચણીનો ગુણોત્તર ઉત્તર-પૂર્વ અને હિમાલયના રાજ્યો સિવાય તમામ રાજ્ય માટે 60 અને 40નો રહેશે. જ્યારે ઉત્તર-પૂર્વ અને હિમાલયના રાજ્યોમાં આ ગુણોત્તર 90 અને 10નો રહેશે.
ખરડા પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મનરેગા યોજનાને યોગ્ય અન અસરકારક રીતે લાગૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું, આ યોજના હેઠળ 60 ટકા ભંડોળ વેતન અને 40 ટકા સામગ્રી માટે નિર્ધારિત છે.
વિરોધ પક્ષના હોબાળા વચ્ચે શ્રી ચૌહાણે પોતાનો જવાબ આપ્યો. બાદમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને દિવસભર માટે સ્થગિત કરી દીધું.