શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, નવી ટેક્નોલૉજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા A.I. આવશે તો પણ શ્રમશક્તિ અને કાર્યબળ હંમેશા પ્રાસંગિક રહેશે. નવી દિલ્હીમાં આજે ત્રીજા વૈશ્વિક ઔદ્યોગિક સંબંધ સંમેલનને સંબોધતાં શ્રી માંડવિયાએ આ વાત કહી. તેમણે કર્મચારીઓના કલ્યાણ માટે ઉદ્યોગો, સંઘો અને સરકાર વચ્ચે સહકાર મહત્વપૂર્ણ હોવાનું પણ જણાવ્યું.
શ્રી માંડવિયાએ કહ્યું, ભારતીય રિઝર્વ બૅન્કના આંકડા મુજબ, ગત દાયકામાં 17 કરોડ રોજગારની તકનું સર્જન થયું છે અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં અંદાજે 16 કરોડ નવી નોંધણી થઈ છે. ડૉક્ટર માંડવિયાએ કહ્યું, સરકારનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ નવી નોકરીનું સર્જન કરવાનો છે.