સંસદે આજે ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સંશોધન ખરડો 2025 પસાર કર્યો. રાજ્યસભાએ આજે આ ખરડાને મંજૂરી આપી છે. લોકસભા પહેલા જ આ ખરડાને પસાર કરી ચૂક્યું છે. આ ખરડો ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957માં વધુ સંશોધન કરશે. તેમાં એવી જોગવાઈ છે કે, ભાડાપટ્ટાધારકો હાલના ભાડાપટ્ટામાં અન્ય ખનીજનો સમાવેશ કરવા રાજ્ય સરકારને અરજી કરી શકે છે. મહત્વના અને વ્યૂહાત્મક ખનીજો તથા અન્ય ઉલ્લેખિત ખનીજોને સામેલ કરવા અન્ય વધારાની કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી.
ખરડા પર ચર્ચાનો જવાબ આપતા કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું, સરકારે ખાણખનીજ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કર્યા છે. તેના પરિણામ સ્વરૂપે કોલસા અને ખનીજનું ઉત્પાદન વધ્યું છે. તેમણે કહ્યું, ખાણોની પારદર્શક ફાળવણીને કારણે રાજ્યોને કેન્દ્ર પાસેથી છ લાખ 85 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. ભારત બીજું સૌથી મોટું કોલસા ઉત્પાદક અને બીજું સૌથી મોટું કોલસાનું ગ્રાહક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં કોલસા ઉત્પાદન પહેલી વાર એક અબજ ટનને પાર પહોંચ્યું હોવાનું પણ શ્રી રેડ્ડીએ ઉંમેર્યું.
Site Admin | ઓગસ્ટ 19, 2025 7:43 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું, સરકારના ક્રાંતિકારી પરિવર્તનથી દેશમાં કોલસા અને ખનીજનું ઉત્પાદન વધ્યું
