કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું.
કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે સૌ ગ્રામિણ ડાક સેવકો છો.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે. તેના માધ્યમથી ડાક સેવકો દરેક સુવિધા ઘર સુધી પહોંચાડીને વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે. ડાક સેવા એ જન સેવા છે, જે પરિવારનમાં નવી નોકરી-પ્રગતિના સંદેશા પહોંચાડી રોશનીનું પ્રથમ કિરણ ફેલાવે છે. સાથે સુકન્યા સમૃદ્ધિથી વિધવા-વૃદ્ધ પેન્શન સુધીની સુવિધા ઘર આંગણે પુરી પાડે છે.
મંત્રીશ્રીએ સૌ ગ્રામિણ ડાકસેવકોને પ્રધાનમંત્રીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબદ્ધ બની ડાક વિભાગને લોજિસ્ટીક સંસ્થાના રૂપમાં પરિવર્તિત કરી સરકારના કો-સેન્ટર બનીને આર્થિક પરિવર્તનના માર્ગ પર દરેક ડાક સેવક ચેમ્પિયનના રૂપમાં કામ કરે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા નવી ઉર્જા અને નવા વિચારો સાથે કામ કરી રાષ્ટ્રહિતમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી.
આ અગાઉ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના પોસ્ટલ તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત રોજગાર મેળામાં ટપાલ, રેલ્વે અને CGST સહિત વિવિધ વિભાગોના 86 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.
વડોદરામાં નવ નિયુકત ઉમેદવારોને સંબોધતા, શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજકોટ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ ઓફિસ દ્વારા યોજાયેલા રોજગારમેળામાં લોકસભાના સાંસદ પુરૂષોતમ રૂપાલાએ 100 નિમણુંકપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે વગર ઇન્ટરવ્યુએ ઉમેદવારોની પસંદગી કરતાં યુવાનોમાં રોજગારી મેળવવામાં ઉત્સુક્તા વધી છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આયોજિત રોજગાર મેળામાં ભાગ લીધો અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 85 થી વધુ નવ નિયુકત થયેલા વ્યક્તિઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.
Site Admin | ઓક્ટોબર 24, 2025 7:54 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલનમાં કહ્યું, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે.