રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, ગુજરાતના સેમિકન્ડક્ટર એકમો થકી આગામી સમયમાં ધોલેરા હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રી વૈષ્ણવે કહ્યું, દેશના વિકાસ માટે ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવાનું અભિયાન હાથ ધરાયું છે.
શ્રી વૈષ્ણવે ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન ટાટા, માઈક્રોન અને સીજી સેમિકોન જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, પરિવહન અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગ અને હવાઈ કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની વિગતો મેળવી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. 
Site Admin | નવેમ્બર 3, 2025 7:17 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગર ખાતેની બેઠકમાં રાજ્યના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની કામગીરીની વિગતો મેળવી