કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ-PACSનો નવસંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે બંધ થયેલી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનાં આર્થિક પુનરુત્થાનને ધ્યાનમાં રાખીને નવી નીતિની યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે 2029 સુધીમાં સમગ્ર દેશમાં દરેક પંચાયતમાં કૃષિ ધિરાણ મંડળી સ્થાપિત કરવાના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યની રૂપરેખા પણ રજૂ કરી હતી.
સહકારી મંડળીઓમાં સહકારના સિદ્ધાંત પર સરકારના ધ્યાન પર પ્રકાશ પાડતા શ્રી શાહે જણાવ્યું કે આ પહેલથી સહકારી થાપણોમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ કાર્યક્રમમાં રાજ્યની 800 સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા 4 હજાર થી વધુ સહકારી અગ્રણીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ગૃહમંત્રી આજે બપોર પછી અમદાવાદ અને મહેસાણામાં અન્ય કેટલાક કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે.