ઓક્ટોબર 2, 2025 9:30 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા મિશન અને 57 નવા કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપી – રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશનને મંજૂરી આપી છે, જે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને કઠોળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલ છે. ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ મિશન 2025-2031 સુધી છ વર્ષના સમયગાળામાં લાગુ કરવામાં આવશે, જેનો નાણાકીય ખર્ચ 11 હજાર 440 કરોડ રૂપિયા થશે.કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની મંજૂરી પણ આપી હતી. આ માટે પાંચ હજાર 862 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. તેમણે જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં કેન્દ્રીય વિદ્યાલય નથી ત્યાં 20 કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે. મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 14 કેન્દ્રીય વિદ્યાલય, ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ચાર અને ઉત્તરપૂર્વ અને પર્વતીય વિસ્તારોમાં પાંચ ખોલવાનો પ્રસ્તાવ છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આનાથી 87 હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે અને 4,600 વધારાની શિક્ષક જગ્યાઓ ઊભી થશે.સરકારે 2026-27 માર્કેટિંગ સીઝન માટે તમામ રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કેબિનેટની બેઠક બાદ, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે સુધારેલા MSP થી ખેડૂતોને જ ફાયદો થશે સાથે પાક વૈવિધ્યકરણને પણ પ્રોત્સાહન મળશે, જેનાથી દેશની કૃષિ અર્થવ્યવસ્થા વધુ સ્થિતિસ્થાપક બનશે.