કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. લોકસભામાં બજેટ રજૂ કરતા સુશ્રી સીતારમણે કૃષિ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ એકમો- એમએસએમઇ એકમો, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર ભાર મૂકતાં શ્રેણીબધ્ધ પગલાં જાહેર કર્યા હતા. પગારદાર કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો અને નવી કર પ્રણાલિ હેઠળ કર માળખામાં ફેરફાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.
એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ નવ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવા, માનવ સંસાધન વિકાસ, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં સુધારો, ઊર્જા સલામતી, સંશોધન અને વિકાસનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોનાં કલ્યાણ પર સરકારનું વિશેષ ધ્યાન છે. અનેક વૈશ્વિક અવરોધો છતાં ભારતીય અર્થતંત્રને નોંધપાત્ર દેખાવ કર્યો છે અને આગામી વર્ષોમાં સૌથી ઝડપથી વૃધ્ધિ પામતુ અર્થતંત્ર બનશે.
પ્રથમ નોકરી કરનાર કર્મચારી માટે નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં સરકાર એક લાખ રૂપિયા સુધીની માસિક આવક ધરાવનાર વ્યક્તિ કર્મચારી ભવિષ્ય નિધીમાં નોંધણી કરાવશે તો તેને ત્રણ હપ્તામાં રૂપિયા 15 હજાર ચૂકવવામાં આવશે.
દેશની પાંચ સો કંપનીઓમાં પાંચ કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ પર રાખવામા આવશે, જેમાં પાંચ હજાર રૂપિયા ભથ્થુ અને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. પગારદાર કરદાતાઓને રાહતમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.
ફેમિલી પેન્શનર્સ માટેનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર કરવામાં આવ્યું છે. નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4 ટકા કરવામાં આવી છે.
પીએમ આવાસ યોજના 2.0 હેઠળ એક કરોડ શહેરી ગરીબ અને મધ્યમવર્ગનાં પરિવારો માટે આવાસ બનાવવા 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશને આવરીને પૂર્વનાં રાજ્યોનાં સર્વાંગી વિકાસ માટે પૂર્વોદયા યોજના ઘડવામાં આવી છે.
બજેટમાં સુક્ષ્મ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો-એમએસએમઇ અને ઉત્પાદન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. ખેડૂતો માટેની સહાય જાહેર કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે, જમીન નોંધણીમાં છ કરોડ ખેડૂતોની માહિતી આપવામાં આવશે અને પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
નાણા મંત્રીએ વ્યક્તિગત કરદાતાઓને રાહત આપી છે. નવી કર વ્યવસ્થા હેઠળ પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.
સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ કર માળખામાં ફેરફાર કર્યો છે. ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ કર નહીં લાગે. ત્રણ લાખથી સાત લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા, સાત લાખથી 10 લાખ રુપિયા સુધીની આવક પર 10 ટકા અને 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા વેરો લાગશે.
Site Admin | જુલાઇ 23, 2024 8:15 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું બજેટ રજૂ કર્યું- કૃષિ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર ભાર મૂકતાં શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા.
