કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે નગરપાલિકાના 267 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જનતાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં દરેક ક્ષેત્રમાં ભારતને ટોચના સ્થાને લઈ જવા માટેની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી શાહે સોમનાથ મંદિરને દેશની અસ્મિતા અને સ્વાભિમાનનું પ્રતિક ગણાવ્યું હતું. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના એક હજાર વર્ષના ઇતિહાસને ઉજાગર કરવા અને સ્વાભિમાનની આ યાત્રા ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા સરકાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરાશે. તેમણે માણસામાં નિર્માણ પામી રહેલી 11 માળની આધુનિક હૉસ્પિટલની સાથે સાથે મૅડિકલ કૉલેજ પણ શરૂ કરવાની મહત્ત્વની જાહેરાત કરી હતી.
સમગ્ર વિશ્વમાં અમદાવાદ રમતગમતનું નવું કેન્દ્ર બની રહ્યું છે તેમ જણાવતા, શ્રી શાહે ઉમેર્યું હતું કે, વર્ષ 2036ની ઑલિમ્પિક રમત અમદાવાદમાં યોજાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. તેમણે માણસામાં નવનિર્મિત રમતગમત સંકુલનો મહત્તમ લાભ લેવા સ્થાનિક રમતવીરોને અનુરોધ કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 13, 2026 2:19 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે – ગુજરાતના ગાંધીનગરમાં 260 કરોડ રૂપિયાથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું