કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા – ક્રેડાઈના રાષ્ટ્રીય સંમેલન 2025માં સંબોધન કરતાં શ્રી શાહે કહ્યું હતું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, ભારતમાલા, સાગરમાલા અને પર્વતમાલા સહિત અનેક મુખ્ય પહેલોએ શહેરી વિકાસને નોંધપાત્ર મજબૂત બનાવી ભારતને વિશ્વના અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સમૃદ્ધ દેશોમાંનો એક બનાવવા માટે સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો છે.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર શહેરી વિકાસ માટે મહત્વાકાંક્ષી અને દૂરંદેશી અભિગમ અપનાવી રહી છે, જેમાં રિયલ એસ્ટેટ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે વિકાસકર્તાઓ અને ઉદ્યોગ સંસ્થાઓને ટકાઉ અને જવાબદાર વિકાસના સહિયારા દ્રષ્ટિકોણ તરફ સાથે મળીને કામ કરવા વિનંતી કરી.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2047 સુધીમાં દેશની શહેરી વસ્તી લગભગ 50 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે તેથી આવાસ પૂરા પાડવાની જવાબદારી મોટાભાગે વિકાસકર્તાઓની છે. તેમણે ધ્યાન દોર્યું કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી – રેરાએ ક્ષેત્રમાં સુધારામાં એક માળખાકીય સફળતા હતી જેને હવે વિશ્વભરમાં માન્યતા મળી છે. શ્રી શાહે કહ્યું કે રેરાએ ભારતમાં ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા, વાજબી વ્યવહારો સુનિશ્ચિત કરવા અને ગુણવત્તાયુક્ત બાંધકામની ખાતરી આપવામાં પ્રશંસનીય કાર્ય કર્યું છે, અને 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેને અપનાવવામાં આવ્યું છે.
પરિષદને સંબોધતા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાષ્ટ્ર નિર્માણ શક્તિ તરીકે રિયલ એસ્ટેટ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો, જે દેશના આર્થિક વિકાસ, શહેરી ભવિષ્ય અને જીવનની ગુણવત્તાને આકાર આપે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ટકાઉપણું હવે કોઈ વિકલ્પ નથી, પરંતુ ભવિષ્ય માટે તૈયાર વિકાસનો પાયો છે.
Site Admin | ડિસેમ્બર 20, 2025 7:51 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે