ડિસેમ્બર 10, 2025 7:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે, અને ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવાની જવાબદારી આયોગની છે.
લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન SIR અંગે વિપક્ષના આરોપોને નકારી કાઢતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, SIR મુદ્દા પર જુઠ્ઠાણા ફેલાવી રહી છે અને દેશ, સરકાર અને ચૂંટણી પંચની છબીને ખરડાઈ રહી છે.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે SIRનો ઉપયોગ મતદાર યાદીઓની સુધારણા કરવા માટે થાય છે. પ્રથમ SIR 1952 માં કરવામાં આવ્યો હતો જ્યારે જવાહરલાલ નેહરુ પ્રધાનમંત્રી હતા. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે 2004 થી, ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા અપનાવવામાં આવી છે. શ્રી શાહે વિપક્ષી પક્ષો પર SIR અંગે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે વિપક્ષ ચૂંટણી જીતે છે, ત્યારે તેઓ પ્રશ્નો ઉભા કરતા નથી, પરંતુ હાર સ્વીકાર્યા પછી, તેઓ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કરે છે.
શ્રી અમિત શાહે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પંચ સરકાર હેઠળ કામ કરતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ ચિંતિત છે કારણ કે દેશના લોકો તેમને મત આપતા નથી.
કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું કે મતદાનનો અધિકાર લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ પક્ષપાતી બની રહ્યું છે. તેમણે બિહારમાં મતદાર યાદીઓમાંથી મોટા પાયે મતદારોના નામ કાઢી નાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જ્યારે પણ વિપક્ષ હારે છે, ત્યારે તે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવે છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને ચૂંટણી પંચ પર આંગળી ચીંધવી જોઈએ નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.