ડિસેમ્બર 7, 2025 7:56 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ ટૂંક સમયમાં વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર પહોંચશે અને 2036 ઓલિમ્પિક રમતોના યજમાન અધિકારો મેળવશે.
શ્રી શાહે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હૂત કર્યા પછી જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી શાહે કહ્યું કે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વકક્ષાના રમતગમત માળખા અને તાલીમ સુવિધાઓનો જબરદસ્ત વિસ્તરણ જોવા મળ્યો છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં ભારતના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા શ્રી શાહે કહ્યું કે, એનડીએ ટૂંક સમયમાં બંગાળ અને તમિલનાડુમાં સરકાર બનાવશે. લોકોને ગ્રીન ચળવળમાં જોડાવા માટે પણ હાંકલ કરી અને તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં દરેક હાઉસિંગ સોસાયટીને ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવવા માટે વિનંતી કરી.
આ કાર્યક્રમ દરમિયાન, શ્રી શાહે 800 થી વધુ EWS ઘરો, ઝૂંપડપટ્ટી વિકાસ પ્રોજેક્ટ્સ અને તળાવો અને બગીચાઓ સહિત વિવિધ અન્ય શહેરી જાહેર સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ગોતામાં એક મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે શિલાન્યાસ સમારોહ પણ કર્યો અને અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ લોકો-કેન્દ્રિત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના આશરે 100 નવા નિયુક્ત સહાયક ફાયર ઓફિસરોને નિમણૂકપત્રો પણ સોંપ્યા.
અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક આયોજીત કાર્યક્રમમાં શ્રી શાહે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના જીવન પર આધારિત પુસ્તક “ચુનોતિયા મુઝે પસંદ હૈ” ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું.