ડિસેમ્બર 6, 2025 9:54 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બનાસ ડેરીનું મુલાકાતે, ગઇકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો આરંભ કરાવ્યો

આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની મુલાકાતે જશે. બનાસ ડેરીના દ્વારા નવનિર્મિત બાયો C.N.G. ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ 150 ટન પાવડર પ્લાન્ટનું ખાતમુર્હૂત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ગઇકાલે સાંજથી પ્રારંભ થયો હતો. અમિત શાહ અને મુખ્યમંત્રીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ શોપિંગ ફેસ્ટિવલના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. 16 જાન્યુઆરી 2026 સુધી ચાલનારો આ રિટેલ, લાઈફસ્ટાઇલ અને એન્ટરટેઇનમેન્ટનો વિશાળ મહોત્સવ ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને સાકાર કરવાની સાથે શહેરના વેપાર અને પર્યટન ક્ષેત્રમાં નવી ઉર્જા ફૂંકશે. આ વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત શહેરના 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ અને 12થી વધુ હોટસ્પોટ ઝોન્સને તૈયાર કરવામાં આવ્યા છે.આ ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સમાં 15 ટકાથી 35 ટકાસુધીના ડિસ્કાઉન્ટ્સ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં ગઈકાલે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને સંબોધતા કહ્યું, ડિસિપ્લિન, ટીમ સ્પિરિટ, પેશન્સ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ ચારેય ગુણોનો વિકાસ માત્ર રમતગમત ક્ષેત્ર જ કરી શકે છે. શ્રી શાહે વધુમાં કહ્યું કે દેશભરના 300થી વધુ મતવિસ્તારમાં સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ વરિષ્ઠ નાગરિકો સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક લાખ 57 હજાર ખેલાડીઓએ નોંધણી કરાવી છે. તેમણે જણાવ્યું કે, 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન પણ અમદાવાદમાં થશે.