કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ. તેમાં શ્રી શાહે દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર સંસ્થાના નિદેશક, દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થાના મહાનિદેશક ઉપસ્થિત રહ્યા. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક પણ વર્ચ્યૂઅલ માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. ગૃહ મંત્રાલયે આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ સંસ્થા – N.I.A. ને સોંપી છે.
શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિસ્ફોટનું કારણ જાણવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિકારી વધુ સતર્કતા દાખવી રહ્યા છે. દિલ્હી મૅટ્રો રૅલ કૉર્પોરેશને જણાવ્યું, સુરક્ષાના કારણોસર લાલકિલ્લા મેટ્રો મથક ગુરુવાર સુધી બંધ રહેશે. જ્યારે અન્ય તમામ મથક સામાન્ય રીતે ચાલી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી. શ્રી શાહે કાર વિસ્ફોટ સ્થળની મુલાકાત લઈ L.N.J.P. હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી. તેમણે વિસ્ફોટની ઊંડાણપૂર્વક તપાસનું પણ વચન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે લાલકિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Site Admin | નવેમ્બર 11, 2025 8:16 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજી દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી