કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ માળખું બન્યું છે. શ્રી શાહે સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને નવા ભારતની કરોડરજ્જૂ સમાન ગણાવી. તેમણે આગામી ત્રણ વર્ષમાં યુવાશક્તિના બળ પર ભારત વૈશ્વિક નવિનતા સૂચિમાં ટોચના 10 દેશમાં સ્થાન પામશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
શ્રી શાહે કહ્યું, દેશમાં ગત 11 વર્ષમાં સ્ટાર્ટ—અપની સંખ્યામાં વધારા સાથે નાના શહેર સુધી અને સમાજના વિવિધ વર્ગ સુધી સ્ટાર્ટઅપની પહોંચ સુનિશ્ચિત થઈ છે. તેમણે કહ્યું, દેશમાં 10 વર્ષમાં 17 લાખ 90 હજારથી વધુ લોકોને સ્ટાર્ટઅપ દ્વારા રોજગારી મળી છે. આ પ્રસંગે શ્રી શાહે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને યુવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા હાકલ કરી અને યુવા ઉદ્યોગ—સાહસિકોને કૃષિ, પ્રવાસન સહિતના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ શરૂ કરવા અનુરોધ કર્યો.
રાજ્યમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રે લેવાયેલા પગલાને આવકારતા તેમણે કહ્યું, 16 હજાર
સ્ટાર્ટ-અપ સાથે ગુજરાત આજે દેશમાં અગ્રણી છે. તેમણે દેશના અન્ય રાજ્યોને ગુજરાતનું આઈ-હબ મૉડેલ અપનાવવા પણ સૂચન કર્યું.
આ પ્રસંગે શ્રી શાહે શિક્ષણ વિભાગ દ્વારા વિકસાવેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ડૅશબૉર્ડનો શુભારંભ કર્યો. કાર્યક્રમમાં 75 સ્ટાર્ટ-અપના પ્રેરણાદાયી પ્રવાસ અંગેના કૉફી ટેબલ બૂક અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેના બે પ્રકાશનનું પણ વિમોચન કરાયું. આ પ્રસંગે મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે વિવિધ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતાં.
આ પહેલા શ્રી શાહ ગાંધીનગરના વાવોલ ખાતે ઇફ્કો દ્વારા “એક પેડ માઁ કે નામ” અભિયાન હેઠળ યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હવે પછી શ્રી શાહ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી નવી ટ્રન્ક લાઈન તેમજ ગાંધીનગર લોકસભાના ગટર અને પાણીના પ્રશ્નો અંગે ગાંધીનગરમાં બેઠક યોજશે. ત્યારબાદ તેઓ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા શરૂ કરાયેલા “પ્રસાદમ્” હરતા ફરતા ભોજનરથનું લોકાર્પણ કરશે. બાદમાં તેઓ કલોલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પછી તેઓ કલોલ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઉપરાંત શ્રી શાહ માણસામાં વિવિધ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 3:22 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદનું ઉદ્ઘાટન કર્યું.