કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચ-માં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને આજે ખૂલ્લું મૂકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચીલી બનાવવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત્વ પર ભાર મૂક્યો હતો.
શ્રી શાહે કહ્યું, હિન્દીને વધુમાં લોકભોગ્ય બનાવવા કેન્દ્ર સરકારે સારથિ મંચ અને હિન્દી શબ્દ સિંધુકોષ જેવી સફળ પહેલ કરી છે. તેમણે હિન્દી માત્ર બોલચાલની ભાષા ન રહેતા; તે વિજ્ઞાન તકનીક, ન્યાય અને પોલીસ વ્યવસ્થાની પણ ભાષા હોવી જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું. આ પ્રસંગે તેમણે વર્ષ 2029 સુધી હિન્દી શબ્દ સિંધુ વિશ્વનો સૌથી મોટો શબ્દકોષ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે સમરસતા વધારવાના હેતુથી આયોજિત આ સંમેલનમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના આશરે સાત હજારથી વધુ અધિકારી ભાગ લઈ રહ્યા છે.