પશ્ચિમ એશિયામાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં વધી રહેલા તણાવે પગલે ભારતે શરૂ કરેલા “ઓપરેશન સિંધુ” હેઠળ ઈરાનમાંથી બે હજાર 295 ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ પરત લવાયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, આજે વહેલી સવારે 292 ભારતીય નાગરિક ઈરાનના મશહદથી વિશેષ વિમાન દ્વારા નવી દિલ્હી પહોંચ્યા હતા.
ભારતીય વાયુસેનાએ ભારતીય નાગરિકો અને મિત્ર દેશોના નાગરિકોને બહાર કાઢવા જોર્ડન અને ઇજિપ્તથી અભિયાન શરૂ કર્યું. વાયુસેનાનું એક વિમાન આજે સવારે અમ્માનથી 165 નાગરિકોને લઈને નવી દિલ્હી આવ્યું હતું. નવી દિલ્હીમાં માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડૉક્ટર એલ. મુરુગને ભારતના નાગરિકોનું સ્વાગત કર્યું.
માધ્યમો સાથે વાત કરતા શ્રી મુરુગને કહ્યું, મુસાફરો 22 વિવિધ રાજ્યના છે અને તેઓ દેશમાં પાછા આવીને ઘણા ખુશ છે. તેમણે કહ્યું, સરકારની પ્રાથમિકતા તેના નાગરિકોને બહાર કાઢવાની છે. ઇઝરાયેલથી 161 ભારતીય નાગરિકોની વધુ એક ટુકડી પણ આજે અમ્માનથી નવી દિલ્હી પહોંચી હતી. વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગરીટાએ વિમાનમથકે તેમનું સ્વાગત કર્યું. ભારત શ્રીલંકા જેવા મિત્ર દેશને પણ તેમનાં નાગરિકોને સલામત પરત લાવવા મદદ કરી રહ્યું છે.
Site Admin | જૂન 24, 2025 2:43 પી એમ(PM)
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી બે હજાર 295 ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ પરત લવાયા